પપ્પાનો સ્પર્શ અને સ્પર્શની ભિનાશ ત્વચા બનીને ચમકે છે. એમણે આપેલો અઢળક સ્મૃતિઓનો વારસો પામીને ધન્ય થઈ જવાય છે. એમનું અસ્તિત્વ લોહીમાંના રક્તકણની જેમ વહે છે સતત. કારણ કે, એ આપે છે સૌથી અમૂલ્ય ભેટ અને એ છે મારી ઓળખાણ....મારું અસ્તિત્વ. પર્વતમાંથી નીકળતી નદી ઝરણ સ્વરુપે હસતી કૂદતી ખેલતી આગળ વધે છે અને છેલ્લે દરિયામાં સમાઈ જાય છે. દરિયામાં સમાતી જોઈને પાષાણના બનેલા પર્વતરાજ નેય એમ થતું હશે કે મારા અસ્તિત્ત્વમાં પણ ભિનાશ છે, ઋજુતા છે અને એની અભિવ્યક્તિ એટ્લે મારી આ નદી. દરેક સંતાન ભલે પછી એ દીકરી હોય કે દીકરો. જ્યારે ઉછળતું ઉછરતું, ભાંખોડિયા ભરતું ને કૂદતું જ્યારે મોટું થઈને જગતમાં ભળી જતું હશે ત્યારે પાષાણ હ્રદયના ગણાતા દરેક પિતા કદાચ આટ્લાજ ભીના થતા હશે. રામનારાયણ પાઠકે પિતાની એક સરસ વ્યાખ્યા કરી છે. તેમના એક પ્રસિધ્ધ ગીતમાં તેઓ પરથમ પ્રણામ માતાને કરે છે. એ કહે છે કે, ‘પિતા શું હોય છે? પિતા એ વ્યક્તિ હોય છે જેણે ઘરની બહાર આણીને મને શેરી બતાવી તે.’ માતા જગતમાં મૂકે છે પિતા જગત શું છે તેનો ખ્યાલ કરાવે છે.
પુરુષ પિતા ક્યારે બને છે ? સરળ લાગતા સવાલનો જવાબ જરા અટપટો છે. લગ્ન પછી પ્રથમ સંતાનપ્રાપ્તિ થાય અને પતિ તરીકે ઓળખાતા પુરુષને પ્રમોશન મળે અને સંતાનના પિતા તરીકે ઓળખાય ત્યારે પુરુષ પિતા બનતો હશે કે પછી વર્ષો સુધી સંતાન પ્રાપ્ત ન થવાના કારણે જ્યારે એસ.એસ.સી. બોર્ડ માં 98 ટકા લાવે ત્યારે પુરુષ સફળ રીતે પિતા બન્યાનો સંતોષ અનુભવતો હશે કે પછી નિષ્ફળ થયેલા સંતાનના માથાને ખોળામાં પીઠ પસવારતો પુરુષ ત્યારે પિતા બનતો હશે ?
પપ્પા
ખરેખર કેટલો મોટો શબ્દ હોય છે?
બોલતા બોલતાં શ્વાસ ભરાઈ આવે એટલો મોટો કદાચ. પપ્પા શબ્દ નથી. મારા માટે દરેક શબ્દનો અર્થ પપ્પા જ હોય છે.
શું હોય છે આ પપ્પા શબ્દ એવું કયું વજન હોય છે જે જિંદગી આખી તમને તમારા સમગ્ર being ને અસ્તિત્વ ને એક અનોખો અર્થ આપ્યા કરે છે. સતત. પપ્પા એ વ્યક્તિ છે જે આપણને ભાષાના પ્રેમમાં પડતાં શીખવે છે. પપ્પા ઘડતર છે. પપ્પા એક perfectionist હોય છે. એક ક્રિએટિવ સોલ્જર હોય છે. ક્રિએટિવ શબ્દની કલાત્મકતા અને સોલ્જર શબ્દની સખતાઈ આ બંને શબ્દનું સાયુજ્ય પણઅદભૂત હોય છે. પપ્પા એ વ્યક્તિ હોય છે કે જે બાળકને બેગ વ્યવસ્થિત કરવાથી લઈને છેક ડાયનિંગ ટેબલ સુધીની મેનર્સ શીખવતા હોય છે. પપ્પા quite time કરતાં શીખવે છે. પપ્પા જ બાઈબલના મૂંઝવતા સવાલોના જવાબ આપે છે. પપ્પા પ્રભુમંદિરમાં ખાલી હાથમાં પૈસા આપી દાનનો મહિમા શીખવે છે. પપ્પા જ શીખવે છે કે જૂઠ્ઠું ન બોલાય, ચોરી ન કરાય. માતાપિતાનું સન્માન કરાય. પપ્પા એ વ્યક્તિ છે જે માથે જવાબદારીઓ થોપીને પણ જવાબદાર બનતા શીખવે છે. કુટુંબનો મહિમા પણ પપ્પા જ શિખવે છે.પપ્પા એ વ્યક્તિ છે જે તમાચો મારે છે.
દસ મહિનાનું સંતાન જ્યારે પહેલીવાર લડખડાતું ચાલતું આવે અને પપ્પાના ફેલાયેલા હાથમાં પડે અને એ જ મુલાયમ હાથો વર્ષો પછી પણ ફેલાયેલા રહે એ વ્યક્તિ પપ્પા જ હોય છે.
વૃક્ષના થડની કઠોર દેખાતી છાલ ભીની જ રહેતી હોય છે ને પપ્પા આપણું વૃક્ષત્વ અને તેની ભીનાશ હોય છે અને પપ્પા એક અંગત મિત્રની ગરજ સારે છે.
પપ્પા એ વ્યક્તિ છે જે દુનિયા ખોલી આપે છે આપણા માટે અને તેમ છતાં એ જ પપ્પા જ શીખવે છે કે,
‘દુનિયામાં મમ્મી અને પપ્પા સિવાયના માણસો પણ છે અને દુનિયા સારા અને ખરાબ બંને માણસોની બનેલી છે.’ પપ્પા ટાઈની નૉટ બાંધતા શીખવે છે. વર્લ્ડ લિટરેચરની સેર કરાવતા વાંચન શીખવે છે. ગાડીમાં કે સ્કૂટર પર કે સાઈકલ પર સ્કૂલે મૂકવા આવતા ને જતાં સફળતાના પાઠ શીખવે છે. Crisis ના સમયમાં courageની મહાનતા શીખવે છે. ક્યારેય ન તૂટી શકવાની જીદ ના બીજ વાવે છે. ઈમાનદારી અને ખુદ્દારી ના પાઠ શીખવે છે. અને પૈસો ફેંકતા શીખવે છે અને દિલદારીને ગળે લગાવતા શીખવે છે.
હા, પપ્પા એ શબ્દ છે જે કમસે કમ એક વાર તો કહે છે કે સરસ સંગીન જીવવું. એનાથી વધીને કોઈ કલા નથી. કોઈ સાહિત્ય નથી. હા, એમણે એકવાર તો કહ્યું જ હોય કે જીવન જેવી મોંઘી મિરાતને સલામતી જેવી સસ્તી ચીજ માટે ગીરવે ન મૂકવી. Live dangerously! (પડકારો ઝીલો અને સફળ થાઓ) દરેક પપ્પા જીવતા હોય છે ખુદ્દારી થી. આત્મસન્માનથી અહંકારથી. અન્ય લોકો આપણા અસ્તિત્વની નોંધ લે એટ્લા માટે ego જરુરી છે.અને એ ego પપ્પા જ શીખવે છે.
આવું વજન હોય છે પપ્પા શબ્દનું. પપ્પા જીવનમાં હ્રદય પટ પર લખતા જ હોય છે. માત્ર એને કોતરવાની જરુર હોય છે. આખરે દરેક પપ્પા શું લખતા હોય છે? કદાચ કંઈક આવું જ્..
‘મને ખબર નથી કે મેં તને શું આપ્યું છે ! તને ખબર છે? તે મને શું આપ્યું છે?. જીવવાનું… જીવતા રહેવાનું એક કારણ.. આપણે બધા જ આપણી નાની મોટી ભૂલો કરતા રહીએ છે. આપણો સ્વભાવ જ એકબીજાને ચોટ પહોંચાડે છે.પણ સાથે રડવાની હસવાની લડવાની ચા પીવાની પણ મજા આવે છે. હું ઈચ્છુ છુ કે આપણે સાથે કરેલી તમામ પ્રવૃતિઓ તને યાદ રહે. આપણે સાથે ફર્યા હતા તે, ફોટા પાડ્યા હતા તે, રખડ્યા હતા, રેસ્ટોરંટ માં જમ્યા હતા તે, લ્યુનાનું વ્હીલ બદલાવ્યું હતું તે. ...બસ, આ જ જીવન હોય છે. બસ, આ જ રીતે જીવવાનું.
આ પપ્પા હોય છે....મારા પપ્પા તમારા પપ્પા બધાના પપ્પા. .. પપ્પાઓ કેમ સરખા હોય છે કારણ કે પપ્પા એ નામ નથી સર્વનામ છે.
Hazel Sunil
(Exe. Editor – Gujarati Christians magazine)
|