|
દુનિયાની શ્રેષ્ઠ વાર્તા કઈ? એક હતો ચકો એક હતી ચકી એ? કે સોનબાઈની? કે મુલ્લા
નસરુદ્દીનની? શ્રેષ્ઠ વાર્તા વિશે દરેક વ્યક્તિના પોતાના મંતવ્યો છે. આ વિશે કોઈ એક
મત નથી પણ દુનિયાભરના શ્રેષ્ઠ અભ્યાસીઓ માને છે કે શ્રેષ્ઠ વાર્તા એ અયૂબની વાર્તા
છે. એ કાલ્પનિક વાત નથી, એ વાત સત્ય છે એ વાતમાં તથ્ય છે. અયૂબની વાર્તા રમ્ય કથા
નથી. રોમાંચ કથા નથી. રહસ્ય કથા નથી, એમાં કોઈ રોમાન્સ નથી એમાં કોઈ થ્રીલ નથી એમાં
ખાધું પીધુને રાજ કર્યુ જેવી સાદી વાત પણ નથી. એ તદ્દન સાદી પ્લોટ વિનાની કથા છે -
એ માણસની જે સામાન્ય છે. આજકાલના કોઈ ફિલ્મી હિરોની જેમ અયૂબ ઢિશૂમ ઢિશૂમ કરતો નથી.
એ કોઈ લડાઈ લડવા જતો નથી. અયૂબ દેવથી અભિષિક્ત રાજા કે પ્રબોધક નથી એ સાવ સામાન્ય
માણસ છે. તમે, હું ને આપણે એને ઓળખી શકીએ એવો એ માણસ છે. એક એવો માણસ જે ખૂબ સાદો
સરળ વિશ્વાસી અને નેક દિલ ઈન્સાન છે. ઈશ્વરથી ડરીને જીવ્યા કરે છે. ઈશ્વરને ગમે એવું
જ કર્યા કરે છે. જૂના કરારમાં 42 પ્રકરણોમાં વિસ્તરેલી અયૂબની વાત તદ્દન સરળ રીતે
કહેવાઈ છે. અયૂબ એ પશ્ચિમી દેશોના નવલકથાકારોમાંનું માનીતું પાત્ર છે. અને અયૂબની
વાત શ્રેષ્ઠ છે.
દુનિયાની શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ વાત એ છે. કારણ કે, દરેક કાળમાં એ આજના માણસની
વાર્તા છે. એની સમસ્યા આજના સારા માણસની સમસ્યા છે. તમારી અને મારી સમસ્યા છે. અયૂબ
સારો સીધો સીધા માર્ગે ચાલનારો સજ્જ્ન છે. એનો પ્રશ્ન આજના સમય અને સંદર્ભનો છે. આ
દુનિયામાં સારા માણસને જ કેમ બધા દુ:ખ પડે છે. એનો સવાલ એ જ હતો કે કેમ એને જ બધા
દુખો પડ્યા? આપણો પણ સવાલ એ જ હોય છે કે, હું સારો છું એટલે મારે સહન કરવાનું? અને
આપણે પણ અયૂબની જેમ સહન કરતા રહેવું પડે છે. ઘણી બધી વખત આપણી પર આવી પડેલા સંકટોના
જવાબો નથી હોતા અને આપણે ઈશ્વરને સવાલ પૂછી શકીએ એટલા બધા ન્યાયી નથી બની શકતા.
અયૂબ ઉપર સંકટ વધી ગયુ અને આખરે એ બોલી ઉઠ્યો કે, ‘મારું સંકટ જો એકઠું કરીને
ત્રાજવામાં મૂકાય તો સમુદ્રની રેતી કરતાં પણ એ વધારે ભારે થાય!’ અયૂબ સદાચારી હતો.
નિર્દોષ અને પ્રામાણિક હતો. ઈશ્વરથી ડરતો હતો અને ખરાબીઓથી દૂર રહેતો હતો. એ રોજ
ઈશ્વરની પ્રાર્થના કરતો હતો, નીતિથી ચાલતો હતો અન્ય જીવોને કષ્ટ આપતો નહિં એને સાત
પુત્રો અને ત્રણ પુત્રીઓ હતા. એની પાસે સાત હજાર ઘેટાં અને ત્રણ હજાર ઉંટ અને પાંચસો
જોડ બળદ અને પાંચસો ગધેડીઓ હતાં એનું ઘર ભર્યુ ભર્યુ હતુ અને આ માણસ પૂર્વના લોકોમાં
સૌથી મોટો મનાતો.
પછી આપણે વાંચીએ છીએ તેમ શેતાન ઈશ્વર પાસે જાય છે અને અયૂબનું પરીક્ષણ કરવાની રજા
માંગે છે. અયૂબના તમામ બાળકો મૃત્યુ પામે છે. અયૂબની માલમિલ્ક્ત સાધન સંપન્નતા
પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ જાય છે. તેમ છતાં અયૂબ હિંમત હારતો નથી અને ઈશ્વર
સમક્ષ કચકચ કરતો નથી. તે રાખમાં બેસીને ઈશ્વરને પ્રાર્થે છે. મારી માતાના પેટમાંથી
હું નગ્ન આવ્યો હતો અને નગ્ન જઈશ ઈશ્વરે આપ્યુ હતુ અને ઈશ્વરે લઈ લીધું છે. અયૂબ
ઈશ્વર પર ભરોસો રાખે છે. અયૂબને આખા શરીરે ફોલ્લઓ પ્રસરતા ગયા ગૂમડાથી અયૂબ ભરાઈ ગયો
અને તેમ છતાં એ ઈશ્વર ઉપરનો વિશ્વાસ ગુમાવતો નથી અયૂબની પત્ની તેને કહે છે કે, ‘હજુ
તને ઈશ્વરમાં વિશ્વાસ છે, હજુ ઈશ્વર ભક્તિ રહી જાય છે? ઈશ્વરને શાપ આપ અને મરી જા.’
અને અયૂબ જવાબ આપે છે આપણે મહાન ઈશ્વરે આપેલી સારી વસ્તુઓજ લેવા ટેવાયા છીએ ? ઈશ્વરે
આપેલા દુ:ખો સ્વીકારવા આપણે કેમ તૈયાર નથી? ક્રમશ: વિનાશ ફેલાતો ગયો. સંપત્તિ,
સંતાનો અયૂબનું શરીર અને સારા હોવાની સજા અયૂબને મળતી ગઈ. અને અહિંથી બૌધ્ધિકોએ એક
નવી દલીલ શરુ કરી: ઈશ્વરનો આ કેવો ન્યાય ? અયૂબના બધા જ સગાઓએ તેનો સાથ છોડી દીધો.
તેના બધા જ મિત્રો તેને દોષિત માનવા લાગ્યા. તેને ધિક્કારવા લાગ્યા. એનો મિત્ર
અલીફાઝ તેમાની તેને મળવા આવે છે અને તેને કહે છે કે, ‘ઈશ્વર તને સુધારવા માંગે છે.
ઈશ્વરની કૃપા અસીમ છે. સદાચારનો અંત સારો હોય છે. ઈશ્વર પર ભરોસો રાખ.’ પછી બિલ્દાદ
શૂહી આવે છે અને કહે છે કે, ‘અયૂબ કદાચ તેં અને તારા બાળકો એ ઈશ્વર સમક્ષ પાપ કર્યા
હશે અને એટલે જ ઈશ્વરે તેઓના અપરાધનું ફળ તેઓને આપ્યું હશે.’ સોફાર નાઅમાથી આવે છે
તે કહે છે: ‘તારી ખરાબીઓ છોડી દે. ઈશ્વર સુખ સંતોષ ફરીથી આપશે.’ પછી ચોથો માણસ આવે
છે અલીહૂ એ કહે છે કે, ‘અયૂબ જો પ્રામાણિક અને પવિત્ર હોત તો નિશ્ચે હમણાંજ ઈશ્વર
જાગૃત થઈને તેના ધાર્મિક નિવાસને આબાદ કરત.’ અયૂબના મિત્રો તેને સહાનૂભૂતિ આપવાને
બદલે તેને જ માત્ર તેને જ પાપી ગણી દોષનો ટોપલો તેના પર ઢોળે છે. લોકો તેની મશ્કરી
કરે છે તેને હાંસીપાત્ર બનાવે છે ઘરના નોકરો તેને કોઈ દાદ આપતા નથી. અયૂબનું જીવન
તહસનહસ થઈ જાય છે. આપણ પ્રત્યેકને આવા નાના મોટા અનુભવો તો હશેજ .. કે જ્યારે લોકો
આપણી પડખે આવીને ઉભા રહેવાને બદલે આપણી હાંસી ઉડાવતા હોય અને કદાચ એમ પણ કહેતા હોય
કે ઈશ્વરે સજા કરી.. હા, તેમ છતાં આપણે પ્રામાણિક રહેવું પડે.. જેમ અયૂબ રહ્યો તેમ.
અયૂબ જાણે છે કે એ નિર્દોષ છે અને છતાં એ પોતાની નિર્દોષતાના પુરાવાઓ આપવાનો વ્યર્થ
પ્રયત્ન કરવાને બદલે તે એમ કહે છે કે મારી ભૂલ મારી પાસે ભલે રહી . તેની
પ્રામાણિકતાના પ્રમાણપત્રો ઈશ્વર બબ્બે વાર આપે છે. અયૂબને ઈશ્વર વંટોળિયામાંથી આપે
છે. હવે ઈશ્વર અયૂબને ધડાધડ સવાલો પૂછી નાખે છે અને અયૂબને જવાબ આપવાનું ભારે પડી
જાય છે. એને સમજાય છે કે ઈશ્વર સિવાય કોઈ ન્યાયી છે જ નહીં, હોઈ શકે જ નહીં.
બાઈબલની વાર્તામાં અયૂબ તૂટી જાય છે અને બોલે છે હું મારી જાત પર ધૃષ્ટ્તા કરું છું
હું રાખ અને ધૂળમાં બેસીને પશ્ચાતાપ કરીશ. અયૂબ આખરે ઈશ્વરના રાજ્યને વિસ્મયથી જોયા
કરે છે.
અને આખી વાતનો અંત સુખદ છે. અયૂબને ઈશ્વર એણે જે ખોયુ એના કરતાં બમણું પાછું આપ્યું.
આપણા જીવનોમાં પણ આવા પ્રસંગો આવે છે . આપણે પણ તૂટી જઈએ છીએ. હિંમત હારી જઈએ છીએ.
ઈશ્વરને જ દરેક નિષ્ફળતાઓ માટે જવાબદાર ઠેરવીએ છીએ અને સવાલો પૂછી બેસીએ છીએ.
ઈશ્વરની ઈચ્છાને ઈશ્વરની યોજનાને આધીન થતા નથી. આપણે આધીન થતાં શીખતા નથી. હા, આપણે
શીખવાનું છે આધીન થતાં. આ એ જ ઈશ્વર છે જે આપણને કહે છે કે હું તને વિસરીશ નહીં.
અયૂબ આજના સર્વ મનુષ્યોનું પ્રતિક છે. અયૂબની વાર્તા ગણાય છે. કારણ કે, કદાચ અયૂબ
તમે છો, અયૂબ હું છું. અયૂબ આપણે છીએ. ફરક એટ્લો જ છે કે ઈશ્વર આપણને જવાબ આપતા નથી
જેમ એમણે અયૂબને આપ્યો. અયૂબ અંત સુધી પોતાના વિશ્વાસમાં ઈશ્વર પરના વિશ્વાસમાં
દ્રઢ રહ્યો. શું આપણે એવા વિશ્વાસમાં દ્રઢ રહી શકીએ?
હેઝલ સુનિલ (કાર્યકારી તંત્રી ગુજરાતી ક્રિશ્ચિયન્સ સામયિક)
|